લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂત ગાઝીપુર બોર્ડર પહોંચી રહ્યા છે, મુઝફ્ફરનગરમાં 11 વાગ્યે મહાપંચાયત

ખેડૂત આંદોલનના 64મા દિવસે, એટલે કે ગુરુવારે ગાઝીપુર બોર્ડર પર ભારે પગલાં લેવાયાં. સાંજે 4 વાગ્યા સુધી ભારે પોલીસદળની તહેનાતી અને UP સરકારના ધરણાં સમાપ્ત કરાવવાના આદેશ પછી માહોલ એવો બની ગયો હતો કે ખેડૂતોને ઘરે મોકલી દેવાશે, પરંતુ અડધી રાતે પોલીસે પાછું ફરવું પડ્યું. તો આ તરફ ખેડૂતોએ આંદોલનને વેગ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશ અને હરિયાણાથી હજારો ખેડૂત રાતે જ ગાઝીપુર બોર્ડર માટે રવાના થઈ ગયા છે. આ સિલસિલામાં આજે 11 વાગ્યે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.

ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત સાંજે 6 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક દરમિયાન ધરણાં-સ્થળથી હટવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ થોડીકવારમાં ભાજપ ધારાસભ્ય નંદ કિશોરની એન્ટ્રીથી મામલાએ યુ-ટર્ન લઈ લીધો.

નંદ કિશોર પોતાના સમર્થકો સાથે ધરણાં-સ્થળ પાસે પહોંચી ગયા. તેમણે પોલીસને કહ્યું હતું કે આંદોલનકારીઓને રવિવાર સુધી હટાવી લો, નહીંતર અમે હટાવીશું. ત્યાર પછી ટિકૈત ઉશ્કેરાયા અને કહ્યું હતું કે ભાજપનો ધારાસભ્ય પોલીસ ફોર્સ સાથે મળીને ખેડૂતોનું કત્લેઆમ કરવા માટે આવ્યા છે, એટલા માટે હવે અમે નથી જઈ રહ્યા.

ગાઝીપુર બોર્ડર પર બદલાતી પરિસ્થિતિને જોતાં રાતે 10 વાગ્યે મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં રાકેશ ટિકૈતના ઘરે ‘ગાઝીપુર કૂચ’ના નારા લગાવતી ભીડ ભેગી થઈ. આ બધાની વચ્ચે જાટ નેતા રાલોદ પ્રમુખ અજિત સિંહે રાકેશ ટિકૈતને ફોન કરીને આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી. આ સાથે જ આખા મામલામાં જાટ પોલિટિક્સની એન્ટ્રી થઈ ગઈ.

રાતે 11 વાગ્યાથી મેરઠ, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, શામલી અને બાગપતથી લોકોએ ગાઝીપુર માટે કૂચ કરવાનું શરૂ કરી દીધું. UP ઉપરાંત હરિયાણામાં પણ ઘણી ખાપે જાહેરાત કરી દીધી છે, એ પણ દિલ્હી બોર્ડર પર પહોંચશે. હરિયાણાના ભિવાનીથી 1 હજાર ટ્રેક્ટર્સ પર ખેડૂત રવાના પણ થઈ ગયા. બન્ને રાજ્યોમાં સ્થિતિ બગડતા જોઈ ગાઝીપુર બોર્ડર પર કાર્યવાહીના આદેશની રાહ જોઈ રહેલી પોલીસ ફોર્સ પાછળ હટવાની શરૂ થઈ ગઈ.

ગાઝીપુર બોર્ડર પર UP પોલીસે ગુરુવારે સાંજે 4 વાગ્યે ધરણાં-સ્થળને ચારેય બાજુથી સીલ કરી દીધું. ભારે પોલીસની હાજરીમાં ખેડૂતોને હટવાની નોટિસ પકડાવી દીધી. અધિકારીઓએ કહ્યું હતું કે ધરણાં હટાવીને રહીશું. જેની અસર એ થઈ કે લાકડી અને ગોળીવાળાં નિવેદનોથી વિવાદમાં આવેલા ટિકૈત ઈમોશનલ ગેમ રમી ગયા. તેમણે રડતાં રડતાં કહ્યું, ‘આ ખેડૂતોના કત્લેઆમની તૈયારી છે. મને મારવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.’