લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં છ મહિના બાદ કોરોનાના 265 કેસો નોંધાયા

અમદાવાદમાં છ મહિના બાદ કોરોનાના એક જ દિવસમાં નવા 265 કેસો નોંધાવા પામ્યા છે. નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ શહેરના પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન ઉપરાંત દક્ષિણ ઝોનમાં નવા કેસ નોંધાયા છે.સાત ઝોનમાં આ મહિનામાં અત્યારસુઘીમાં કોરોનાના 835 કેસ નોંધાઈ ગયા છે. વર્તમાન પરિસ્થિતિમાં સાત ઝોનમાં 700થી વધુ કોરોનાના એકિટવ કેસ છે. ત્યારે શહેરના 11 સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.જે પ્રમાણે શહેરમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે એને ધ્યાનમાં રાખી શહેરીજનોએ ભીડમાં જવાનું ટાળી કોવિડ ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવા તથા કોરોના વેકિસન લેવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે.આમ 1 ડીસેમ્બરથી 29 ડીસેમ્બર સુધીમાં અમદાવાદમાં કોરોનાના 835 કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે 27 ડીસેમ્બરે અમદાવાદમાં કોરોનાના 100 કેસ નોંધાયા હતા.આમ માર્ચ-2020થી અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના મહામારી બાદથી 29 ડીસેમ્બર સુધીમાં કોરોનાના કુલ 2,39,827 કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે 29 ડીસેમ્બર સુધીમાં 2,35,455 લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે.જ્યારે બીજીતરફ માર્ચ-2020થી અત્યારસુધીમાં કોરોના સંક્રમિત થયા બાદ 3412 લોકોના મોત થયા છે.આમ અમદાવાદ શહેરમાં બે દિવસમાં કોરોનાના કેસ ત્રણ આંક સુધી પહોંચી જતા મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા દ્વારા કોર્પોરેશનના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી વધતા કેસને નિયંત્રિત કરવા કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.આ બેઠકમાં લેવામાં આવેલા કેટલાક મહત્વના નિર્ણય મુજબ બેઠકમાં માસ્ક ન પહેરનારા કે સોશિયલ ડીસ્ટન્સીંગનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી મહત્તમ ચાર્જ વસુલવા સુચના આપવામાં આવી છે, જે વિસ્તારમાં કોવિડના વધુ કેસ નોંધાય એ વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવશે,વર્તમાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત 32 સ્થળોએ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે જેની સંખ્યા વધારવામાં આવશે, એસ.ટી.સ્ટેશન ઉપરાંત રેલવે,બી.આર.ટી.એસ.કાંકરીયા લેકફ્રન્ટ,એએમટીએસ સહીતના સ્થળોએ મહત્તમ ટેસ્ટ કરવામાં આવશે, કોવિડ પોઝિટિવ આવવાના કેસમાં મહત્તમ કોન્ટેક ટ્રેસીંગ કરવામાં આવશે, કોમર્શિયલ એકમોમાં સઘન તપાસ કરવામાં આવશે, કોરોના રસી ન લેનારાઓને વહેલી તકે વેકિસન લેવા સમજુતી કરાશે, ધનવન્તરી અને સંજીવની રથ દ્વારા આરોગ્યલક્ષી સેવા સઘન બનાવાશે.