ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું. પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી દીધી છે. ત્યારે કેબિનેટની મળેલી બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ,બેન્ડવાજાં અને ડી.જેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ 400 વ્યક્તિની હાજરીમાં યોજી શકાશે એટલે કે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા માટે સરકારે મંજૂરી આપી છે. આ અંગે ગૃહ વિભાગે એક પરિપત્ર બહાર પાડી દીધો છે. જેમાં ખુલ્લામાં યોજાતા કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજાતા કાર્યક્રમમાં ક્ષમતાના પચાસ ટકા અને મહત્તમ 400 વ્યક્તિની હાજરીમાં આ કાર્યક્રમો યોજી શકાશે તેવું જણાવ્યુ છે. આ સાથે રહેણાક વિસ્તારોમાં થતા શેરી ગરબા ઉપરાંત કોમર્શિયલ ગરબાના આયોજનને પણ પરવાનગી મળી શકશે. આ ઉપરાંત જ્યાં માતાજીનાં જાગરણ,પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે એ પણ થઇ શકશે. સાર્વજનિક ગણેશોત્સવ નિર્વિઘ્ને યોજી શકાશે. આ અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં દર્શન,પૂજન,આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી હતી, પરંતુ નવી માર્ગદર્શિકા અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે 15 વ્યક્તિ સાથેના વરઘોડાની મંજૂરી આપવામાં આવી છે. એનું કારણ એ છે કે જો એમાં વધુ વ્યક્તિઓને પરવાનગી અપાય તો વિસર્જનના સ્થળે અલગ-અલગ સાર્વજનિક ગણેશ મહોત્સવમાંથી એક જ સ્થળે હજારોની સંખ્યામાં મેદની એકત્રિત થઇ જાય અને ભીડ નિયંત્રિત થઇ ન શકે. આમ ધાર્મિક ઉપરાંત સામાજિક તથા અન્ય વરઘોડાને પણ મંજૂરી અપાઈ છે એટલે કે લગ્નો, ધાર્મિક અનુષ્ઠાનો કે સંમેલનો ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં પણ 400 લોકોની મર્યાદા સાથે વરઘોડો કાઢી શકાશે.
ગુજરાત સરકારે ધો.6થી ઉપરના વર્ગોમાં ઓફલાઇન અધ્યાપન કાર્ય શરૂ કરવા આદેશ આપ્યો છે. જ્યારે ધો.1 થી 5ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે સરકારનુ કોઇ આયોજન નથી. જે બાબતે સરકાર ડિસેમ્બર સુધી રાહ જોશે. નવેમ્બરના આખરી સપ્તાહ સુધી જો કેસ નિયંત્રણમાં રહ્યા તો ડિસેમ્બરથી આ વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ શકશે. રાજ્ય સરકાર નવરાત્રિ સમયે વધુ એક નોટિફિકેશન બહાર પાડીને આયોજન તથા એસઓપીના પાલન અંગે વધુ સ્પષ્ટતા કરતી ગાઇડલાઇન્સ જાહેર કરશે. પરંતુ અત્યારથી નવરાત્રિના આયોજનને મંજૂરી સૈદ્ધાંતિક રીતે મળી ગઈ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved