લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સરકારનું બજેટ સત્ર આગામી 2 માર્ચથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા.2જી માર્ચથી શરૂ કરવા માટે રાજ્યપાલે આહવાન કર્યું છે ત્યારે તા.3જી માર્ચે વિધાનસભામાં નાણાંમંત્રી બજેટ રજૂ કરશે. જે આગામી એક મહિના સુધી ચાલશે.આમ 30 માર્ચ સુધી ચાલનારા વિધાનસભા સત્રમાં અંદાજપત્ર,પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે.બજેટને પગલે પાટનગર ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.વિધાનસભા સત્રને પગલે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવા સરકાર સજ્જ થઇ રહી છે તો વિપક્ષે પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી છે.આ સિવાય આગામી વિધાનસભા ચૂંટણીઓને પગલે નવી સરકાર ખેડૂતો,મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે.આ વખતના બજેટમાં નવા કરવેરાની શક્યતા નહીવત છે.જેમાં બજેટનું કદ રૂ.2 લાખ કરોડને પાર કરી જશે. નવી સરકાર નવી યોજનાઓ થકી લોકોને આકર્ષિત-પ્રભાવિત કરવા ઇચ્છુક છે ત્યારે અત્યારથી જ પાટનગર ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં વિવિધ વિભાગો સાથે બેઠકો શરૂ થઇ છે.આજે ગાંધીનગરમાં દરેક વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા બજેટલક્ષી પ્રેઝન્ટેશનને મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે.મુખ્યમંત્રી બજેટ પહેલાં આ પ્રેઝન્ટેશનને આખરી ઓપ આપશે.ત્યારબાદ બજેટ તૈયાર થશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારના પ્રથમ નાણાંમંત્રી તરીકે વિધાનસભામાં બજેટ રજુ કરશે.