ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની મેન્સ હોકી ટીમ જાપાન સામે 3-5થી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં હારતા ટાઈટલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જેમાં એક દિવસ પહેલા જ ભારતે આખરી ગ્રૂપ મેચમાં જાપાનને 6-0થી હરાવ્યું હતુ. પરંતુ ખરાખરીની મેચમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ભારત વર્ષ 2013 પછી પ્રથમ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ હાર્યું હતુ. ત્યારે હવે ભારત આવતીકાલે બ્રોન્ઝ મેડલ માટે પાકિસ્તાન સામે ટકરાશે. જ્યારે જાપાન અને સાઉથ કોરિયા વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાશે. ઢાકામાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં જાપાનીઝ ટીમે આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરી હતી. જેમાં મેચની પ્રથમ મિનિટે શોટા યામાદાએ ગોલ ફટકારતાં જાપાનને સરસાઈ અપાવી હતી. જ્યારે બીજી મિનિટે રાઈકિ ફુજીશિમાએ જાપાનને 2-0થી સરસાઈ અપાવી હતી. જ્યારે બીજા ક્વાર્ટરમાં ભારતે મેચની 17મી મિનિટે દિલપ્રીત સિંઘના ગોલને સહારે ખાતું ખોલાવ્યું હતુ. જાપાનને યોશિકી કિરિશિટાના ગોલને સહારે 3-1થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતીય ખેલાડીઓ કેટલીક તકો ચૂકી ગયા હતા અને હાફ ટાઈમે જાપાને 3-1થી સરસાઈ જાળવી રાખી હતી. હાફટાઈમ બાદ કોસેઈ કાવાબે અને ર્યોમા ઓકાએ અનુક્રમે 35મી અને 41મી મિનિટે ગોલ નોંધાતા જાપાને 5-1થી સરસાઈ મેળવી હતી. ભારતીય ટીમે આખરી મિનિટોમાં પાછા ફરવાની કોશિશ કરી હતી. આખરી ક્વાર્ટરમાં હરમનપ્રીતે ગોલ ફટકારતાં સ્કોર 2-5 કર્યો હતો. જે પછી આખરી બે મિનિટ બાકી હતી, ત્યારે હાર્દિક સિંઘે ગોલ નોંધાવ્યો હતો. જોકે ત્યારબાદ ભારત જાપાનના મજબુત ડિફેન્સને ભેદી શક્યું નહતુ અને 3-5થી હારી ગયું હતુ. આ સિવાય ભારત વર્ષ 2016 અને 2018માં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ હાર્યું નહતુ અને ટાઈટલ જીત્યું હતુ.સાઉથ કોરિયાએ પાકિસ્તાન સામેની મેચમા 6-5થી વિજય મેળવ્યો હતો. સાઉથ કોરિયા તરફથી જોન્ઘયુન જાંગે 4 ગોલ નોંધાવ્યા હતા. જ્યારે સાઉથ કોરિયાએ પણ પાકિસ્તાન સામે 5-3થી સરસાઈ મેળવી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved