લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નાસાએ દુનિયાનું વિશાળ અને શક્તિશાળી ટેલિસ્કોપ લોંચ કર્યું

નાસાનું ટેલિસ્કોપ જેમ્સ વેબ સફળતાપૂર્વક લોંચ થયું હતું. દક્ષિણ અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગુએના સ્પેસ સ્ટેશનમાંથી એરિયન રોકેટની મદદથી ટેલિસ્કોપ લોંચ થયું હતું. જે મિશન પાછળ 10 અબજ ડોલરનો ખર્ચ થયો છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ઉપગ્રહોની ભ્રમણકક્ષા કરતાં દૂર સેટ થશે.આમ અસંખ્ય વખત જેમ્સ વેબ ટેલિસ્કોપ મિશનનું લોન્ચિંગ રદ્ થયા પછી આખરે નાસાએ યુરોપીયન સ્પેસ એજન્સીની મદદથી ટેલિસ્કોપ સફળતાપૂર્વક લોંચ કર્યું હતું. નાસાએ મિશન લોંચ થયાની જાહેરાત કરતા લખ્યું હતુ કે અમે ટેલિસ્કોપ લોંચ કરી દીધું. આ મિશન પછી આપણી અંતરિક્ષને સમજવાની દૃષ્ટિ બદલાઈ જશે. લાંબી રાહનો અંત આવ્યો. આ મિશનની પ્રક્રિયા ખૂબ જ રોમાંચક રહી હતી.નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે આ મિશન ખૂબ મહત્વનું સાબિત થશે. અંતરિક્ષમાં ઈતિહાસમાં આ મિશન ઘણાં નવા આયામો સર કરશે. બ્રહ્માંડના કેટલાય રહસ્યો સમજવામાં એ મદદરૂપ બનશે. આપણી અંતરિક્ષની સમજને વિકસાવવામાં જેમ્સ વેબ ટ્રેન્ડસેટર સાબિત થશે.નાસાએ ઇસ.1996માં મિશનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ઇસ. 1997થી ફંડ ફાળવવાનું શરૂ કર્યું હતું. ઇસ.2007માં લોંચ કરવાનું આયોજન પાછું ઠેલાયું હતું.આમ દરેક વખતે મિશન પાછું ઠેલાયું હતું. એ દરમિયાન મિશનનું બજેટ પણ એક અબજ ડોલરથી વધીને 10 અબજ ડોલર થઈ ગયું હતું. આખરે ઇસ.2021માં નાસાનું ટેલિસ્કોપ લોંચ થયું હતું.પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર અંતરિક્ષમાં જેમ્સ વેબ ટેલિસ્કોપને સેટ કરાયા પછી એ કાર્યરત થશે. ચંદ્ર કરતાં 4 ગણું દૂર જઈને ટેલિસ્કોપ સેટ થશે અને ત્યાં સુધીની યાત્રામાં જેમ્સ વેબ ટેલિસ્કોપને લગભગ એક મહિનાનો સમય લાગશે. તે પછી કાર્યરત થતાં બીજા પાંચ મહિના લાગશે. લોંચ થયાના છ મહિના પછી તે પહેલી તસવીર પૃથ્વી ઉપર મોકલી આપશે એવી આશા વ્યક્ત થઈ છે. જો અંતરિક્ષમાં બધું બરાબર રહ્યું તો ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી એ કામ કરવા સક્ષમ છે.