પાટનગરમાં મીટર મુકીને 24 કલાક પાણી આપવાની યોજનાનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે 200 કરોડ ઉપરાંતના ખર્ચની આ યોજનાનું કામ રાજ્યના પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.જેના અંતર્ગત યોજના એવી છે કે દરેક ઘરે ત્રીજા માળ સુધી ઇલેકટ્રીક મોટર મુક્યા વગર પુરા દબાણ સાથે પાણી પહોંચાડવા નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે પાણીનો ફોર્સ ઉભો કરવા માટે વિભાગ દ્વારા સરિતા અને ચરેડી વોટર વર્કસ ખાતે વધુ બે ઉંચી ટાંકીઓ બાંધવામાં આવનાર છે.જે બાબતે પાણી પુરવઠા વિભાગના ઇજનેરી સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ યોજના પાછળ થનારો તમામ ખર્ચ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટી હેઠળ તેને મળેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવી રહ્યો છે.આ યોજના સાકાર કરવા માટે સમગ્ર શહેરી વિસ્તારમાં નવી અને મોટા ડાયામીટરની પાઇપલાઇન પાથરવાનું કામ વિભાગ દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે.જે આગામી એકાદ વર્ષમાં પૂર્ણ થઇ જવાની ધારણા રાખવામાં આવી છે. આ સિવાય વિભાગ દ્વારા વર્તમાનમાં શહેરના 15 થી 30 જુના સેક્ટરોમાં કામ કરવામાં આવી રહ્યું છે.જે કામગીરી પૂર્ણ થયા બાદ નવા સેક્ટરો 1 થી 14માં કામ હાથ ધરવામાં આવનાર છે. ગાંધીનગર શહેરના ૩૦ સેક્ટરમાં વર્તમાનમાં એક જ સમયે પુરા દબાણથી પાણી પહોંચાડવા માટે ચરેડી વોટર વર્કસ,સરિતા ઉદ્યાન વોટર વર્કસ અને સેક્ટર 5માં નવી બાંધવામાં આવેલી ઉંચી ટાંકીમાંથી દરરોજ સવારે પુરા દબાણથી પાણી છોડવામાં આવે છે.જેના પરિણામે દરેક સેક્ટરમાં અને છેવાડાના ઘર સુધી પીવાનું નર્મદાનું પાણી આપી શકાય છે. સ્માર્ટ સિટી અંતર્ગતની નવી યોજનામાં મીટર મુકીને ૨૪ કલાક પાણી આપવાનું થાય છે અને તે પાણી ત્રીજા માળ સુધી પહોંચાડવાનું છે જેના કારણે પાણી ભારે દબાણથી છોડવાનું થાય અને તે દબાણ 24 કલાક જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવાની થાય છે. તેના માટે બન્ને જુના વોટરવર્કસ પર વધારાની અને વધુ ક્ષમતાની બે મોટી ટાંકીઓ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved