લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / સુઈગામમાં કમોસમી વરસાદના નુકશાનનો સર્વે શરૂ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ કરા સાથે વરસાદ પડતાં રવિ વાવેતરના પાકોને નુકશાન થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા માત્ર સુઈગામ તાલુકામાં જીરા ના પાકમાં થયેલ નુકશાન નો સર્વે હાથ ધરાયો હોય અન્ય તાલુકામાં જીરા સહિત ના પાકને થયેલા નુકશાન નો સર્વે હાથ ધરી વળતર ચૂકવવાનું માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં ગત તા.૧૮ માર્ચના રોજ ગાજવિજ સાથે કમોસમી કરા સાથે વરસાદ પડતાં રવિ વાવેતરના જીરું, રાજગરો, ઘઉ જેવા પાકોને ભારે નુકશાન થતા ખેડૂતોને મુખમાં આવેલ કોળિયો છીનવાઈ જતા તેઓ કફોડી હાલતમાં મુકાઇ જવા પામ્યા છે. અને વાવેતરમાં થયેલા નુકશાન નો સર્વે કરી નુકશાન નું વળતર ચૂકવવા માંગ કરાઈ રહી છે. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ૧૧ ટીમો દ્વારા માત્ર સુઈગામ તાલુકામાં ૧૧૦૫ હેકટર જમીન માં કરાયેલા જીરાના પાકમાં થયેલા નુકશાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જોકે સુઈગામની સાથે પાલનપુર, દાંતા, અંબાજી, દાંતીવાડા, ગઢ સહિતના વિસ્તારોમાં પણ જીરૂ, ઘઉ સહિતના પાકોમાં કમોસમી વરસાદ થી થયેલા નુકશાનનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે ખેતીવાડી વિભાગ ખેડૂતો ની વ્હારે આવી અન્ય વિસ્તારોમાં પણ પાક નુકશાન નો સર્વે હાથ ધરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું હતું કે સુઈગામ તાલુકામાં કમોસમી માવઠાથી ૧૧૦૫ હેકટર માં કરાયેલ જીરાના પાકને થયેલા નુકશાનનો સર્વે હાથ ધરાયો છે. જેમાં ૩૩ ટકા થી વધુ નુકશાન માં ખેડૂતો ને સરકારી ધારા ધોરણ મુજબ સહાય મળવા પાત્ર થશે.