લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યનાં મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય

રાજ્યનાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવાયો છે.જેના આધારે ગુજરાતનાં 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે.હવે રાતના 11 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ યથાવત્ રહેશે સાથે જ લગ્નપ્રસંગ માટે 100 વ્યક્તિની પરવાનગીમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરીને હવે જાહેરમાં લગ્નપ્રસંગમાં 100ને બદલે 200 વ્યક્તિને છૂટ આપવામાં આવી છે.

કોરોના કહેરને કારણે લગ્નસમારંભની સંખ્યા ઘટી ગઈ છે.જેને ધ્યાનમાં લઈને સરકારે મહેમાનોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.હવે 200 લોકો લગ્નમાં હાજરી આપી શકશે,પરંતુ કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે,જેમાં ફરજિયાત માસ્ક,સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે.જો નિયમનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.એટલું જ નહીં ગુજરાતમાં રાજ્ય સરકારનાં સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોની સક્રિયતા અને સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે ઘટાડી શકાયો છે.રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 93.94 ટકા સુધી લઇ જવામાં સફળતા મળી છે,જેથી હવે કેટલાક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે.જેના કારણે હવે હોલ,હોટલ,બેન્ક્વેટ હોલ,ઓડિટોરિયમ,કમ્યુનિટી હોલ,ટાઉન હોલ,જ્ઞાતિની વાડી જેવાં બંધ સ્થળોએ સામાજિક તેમજ ધાર્મિક અને મનોરંજન કે અન્ય સમારોહ-કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના 50 ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે,સાથે જ પાર્ટીપ્લોટ,ખુલ્લાં મેદાનો,કોમન પ્લોટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા,સમારોહ માટે માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ,હેન્ડ સેનિટાઇઝર સહિતનું ચુસ્ત પાલન કરવું પડશે.

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ 27 જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. પંકજકુમારે કહ્યું હતું કે રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે,પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલા સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.રાજ્યનાં ચાર મહાનગર અમદાવાદ,વડોદરા,રાજકોટ અને સુરતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.જિલ્લા સત્તાધિકારીઓ,સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તણૂકને ઉત્તેજન આપવા તેમજ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે,વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે એ સુનિશ્ચિત કરવાનાં તમામ પગલાં લેવાનાં રહેશે.નેશનલ ડાયરેક્ટિવ્ઝ ફોર કોવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.