દિલ્હીની સિંધુ બોર્ડર પાસે આંદોલન કરી રહેલાં ખેડૂતો વિરુદ્ધ ગામના લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ગામના લોકોએ ખેડૂતો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને નારેબાજી કરી. સાથે જ તેમની માગ હતી કે હાઇવે ખાલી કરવામાં આવે. ગામના લોકોનું કહેવું છે કે, લાલ કિલ્લા પર જેવી રીતે તિરંગાનું અપમાન થયું, તે સહન નહીં કરે. હિંદુ સેના સંગઠન સહિત અન્ય ગામના લોકોએ હાઇવે ખાલી કરવાની માંગ કરી.
બીજી બાજુ, લગભગ બે મહિના બાદ નોએડાના દલિત પ્રેરણા સ્થળ પાસે ભારતીય કિસાન યુનિયન લોક શક્તિનું પ્રદર્શન પૂરું થયું. ગઇકાલે રાત્રે તમામ ખેડૂત પ્રદર્શનકારી ત્યાંથી જતાં રહ્યાં હતાં. જ્યારે ગાજીપુર બોર્ડર પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પેરામિલિટ્રી ફોર્સ, પીએસીની લગભગ દસ કંપનીઓ તૈનાત છે. ગાજીપુર બોર્ડર પર ખેડૂતોના ઘરણા સતત ચાલુ છે.
ઉપરાંત ગુરુવારે બપોરે પોલીસ ગાજીપુર બોર્ડર પહોંચી હતી. જ્યાં પોલીસે કિસાન નેતા રાકેશ ટિકૈતને નોટિસ આપી હતી. ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં પોલીસે ઘણા નેતાઓેને લુક આઉટ નોટિસ આપી છે. નોટિસ અંગે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ પોલીસને નોટિસનો જવાબ આપશે.
દિલ્હી પોલીસ દ્વારા 26મી જાન્યુઆરીની હિંસાને લઈને 25 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ટ્રેક્ટર રેલી સંદર્ભે પોલીસ સાથે થયેલી સમજૂતીને નહીં સ્વીકારવા બદલ યોગેન્દ્ર યાદવ, સિરસા સહિતના 20 ખેડૂત નેતાઓને નોટિસ ફટકારી છે અને તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.
ટૉપ ન્યૂઝ ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved