લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / 1 લી એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઈન્કમટેક્સ રજીસ્ટ્રેશન ગણાશે રદ,આ તારીખ પહેલા નવેસરથી કરવી પડશે અરજી

જાહેર ચેરીટેબલ ટ્રસ્ટ,સ્કુલ,કોલેજ યુનિવર્સીટી,મેડીકલ સંસ્થાનો તથા રીસર્ચ યુનિટ વગેરે દ્વારા મેળવવામાં આવેલા જુના ઈન્કમ ટેક્સ રજીસ્ટ્રેશન આગામી તા.1 લી એપ્રિલથી રદ ગણવામાં આવશે.30 મી જુન સુધીમાં ઉપરોક્ત ટ્રસ્ટ,સંસ્થાનો ઈન્કમ ટેક્સ કરમુક્તિ માટે રજીસ્ટ્રેશન તથા ડોનેશનની મંજુરી મેળવવા માટે નવેસરથી કમિશ્નર ઓફ ઈન્કમ ટેક્સને ઓન લાઈન અરજી કરવાની રહેશે.

ટ્રસ્ટ, સ્કુલ-કોલેજ, યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ કરમુક્તિ માટે રજીસ્ટ્રેશન

આગામી તા.1લી એપ્રિલથી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સહિતના અન્ય શૈક્ષણિક તથા રિસર્ચ સંસ્થાનો વગેરેએ ઈન્કમટેક્સ કરમુક્તિ માટેના રજીસ્ટ્રેશન તથા ડોનેશન અંગેની મંજુરી મેળવવા માટે નવેસરથી અરજી કરવાની રહેશે.ઉપરોક્ત સંસ્થાઓના જુના ઈન્કમ ટેક્સ રજીસ્ટ્રેશન 1 લી એપ્રિલથી રદ ગણવામાં આવશે.જેથી નવેસરથી ઈન્કમ ટેક્સ રજીસ્ટ્રેશન માટેના ફોર્મ નં.10-એ તથા 10 બી બહાર પાડવામાં આવ્યા છે.જેમાં મુખ્ય ટ્રસ્ટીની ડીજીટલ સિગ્નેચર સાથે આ ફોર્મ આગામી તા.30 મી જુન પહેલાં કમિશ્નર ઓફ ઈન્કમ ટેક્સને ઓન લાઈન સબમીટ કરવાના છે.

નવા ટ્રસ્ટોને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન ત્રણ વર્ષ માટે મળશે

સી.એ.વિરેશ દલાલે જણાવ્યું હતું કે આ ફોર્મની સાથે ટ્રસ્ટના રજીસ્ટ્રેશન માટે કરેલી અરજી,ટ્રસ્ટનું બંધારણ,ડીડ,ટ્રસ્ટના કાયદા હેઠળ ચેરીટી કમિશ્નરનું સર્ટીફિકેટ,ઈન્કમ ટેક્સ કરમુક્તિ માટેનું કલમ 12 એનું રજીસ્ટ્રેશન સહિતના અન્ય દસ્તાવેજો મોકલવાના રહેશે.જેમાં ખાસ કરીને ડોમેશન મેળવતા ટ્રસ્ટોને કલમ 80-જીની મળેલી માન્યતા સર્ટીફિકેટ,બહારથી ડોનેશન મેળવનારને એફસીઆર રજીસ્ટ્રેશન,છેલ્લાં ત્રણ હિસાબી વર્ષ-2018-19 થી વર્ષ-2020-21 ના ઓડીટ કરેલા હિસાબોની સેલ્ફ સર્ટીફાઈડ નકલ જોડવાની રહેશે.જુના ટ્રસ્ટ સંસ્થાનોએ નવેસરથી મેળવેલા રજીસ્ટ્રેશન માટે 16 આંકડાનો નવો યુનિક કોડ પાંચ વર્ષ માટે માન્ય રહેશે.જ્યારે નવા ટ્રસ્ટોને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન ત્રણ વર્ષ માટે મળશે.

અત્રે નોંધનીય છે કે ઘણાં જુના ટ્રસ્ટો 1970 પહેલા રજીસ્ટ્રેશન ધરાવે છે.તેમની પાસે બંધારણ કદાચ મળી આવે પણ ઉદ્દેશો અરજીથી નોંધાયેલ હોય તેને મુશ્કેલી પડશે.ચેરીટી કમિશ્નરનું સર્ટીફિકેટ અથવા ઈન્કમ ટેક્સ કરમુક્તિ કે ડોનેશન માન્યતાનું અંતિમ સર્ટીફિકેટ ખોવાઈ ગયું હોય તો તેવી સંસ્થાઓને ભારે અડચણો વેઠવી પડે તેવી સંભાવના નકારી શકાય નહીં.