લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એશિયાના ધનકુબેરોમાં ભારતના મુકેશ અંબાણી પ્રથમ,ગૌતમ અદાણી ચોથા ક્રમે

મુકેશ અંબાણીએ ફરી એકવાર એશિયાના ધનકુબેરોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.જેમાં અંબાણી ચીનના ઝોંગ શેન્શેનને ૨૩ માર્ચ,૨૦૨૧ના રોજ ‘ઓવરટેક’ કરીને ૮૦.૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર પહોચી ગયા છે.જ્યારે શેન્શેનની નેટવર્થ ૬૬ અબજ ડોલર રહી છે.આમ છેલ્લા બે વર્ષથી મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં મોખરાનું સ્થાન જાળવવામાં સફળતા મેળવી હતી.જોકે બે કંપનીના લિસ્ટિંગ પછી ઝોંગ શેન્શેન એશિયાના ધનાઢ્યોની યાદીમાં પ્રથમ ક્રમે પહોંચ્યા હતા.

એશિયાના ધનકુબેરોના લિસ્ટમાં મુકેશ અંબાણી સહિત ભારતના બે ઉદ્યોગપતિ છે.જ્યારે ચીને પાંચ ઉદ્યોગ સાહસિકો સાથે આ યાદીમાં દબદબો જાળવી રાખ્યો છે.જ્યારે આ યાદીમાં જાપાનના બે,હોંગકોંગના એક ઉદ્યોગપતિને એશિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં સ્થાન મળ્યું છે. અદાણી જૂથના ગૌતમ અદાણી એશિયાના ધનકુબેરોમાં ચોથા સ્થાને રહ્યા છે.જેમની નેટવર્થ ૫૩.૭ અબજ ડોલરે પહોંચી છે.ચીનના મા હુઆતેંગ ૬૨.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે.અલીબાબા જૂથના જેક માએ ૫૧.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.જાપાનીઝ ઉદ્યોગપતિ અને સોફ્ટબેન્કના માસાયોશી સોન ૩૫ અબજ ડોલરની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે.

આમ છેલ્લા કેટલાક મહિનાઓમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઉછાળો નોંધાયો છે.જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં અદાણી જૂથની વિવિધ કંપનીઓનું માર્કેટ-કેપ નોંધપાત્ર વધ્યું છે.જેની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર થઈ છે.