લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં હોસ્પિટલો માટે ટેક્સ છૂટનો લાભ જાહેર થઈ શકે

કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તેજન આપવાની વ્યવસ્થા કરવા માંગે છે તેથી આરોગ્યના ક્ષેત્ર માટે મોટા એલાન થવાની સંભાવના છે.

આમ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નવી હોસ્પિટલો ખોલવા માટે બજેટમાં કેટલીક રાહતો જાહેર કરી શકે છે અને કરમાં છૂટછાટની જોગવાઈ પણ જાહેર થાય તેવી શકયતા છે.હોસ્પિટલો માટે સરકારની હવે વધુ સહાયક નીતિ રહેશે.બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 100 બેડથી ઓછી ક્ષમતાવાળા દવાખાનાઓ માટે કરમા છૂટછાટની જોગવાઈ જાહેર કરી શકે છે અને આ માટે ગંભીર વિચારણા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી.

નાણાંમંત્રી દ્વારા જે બેઠકો યોજવામાં આવી હતી તેમાં એવા સૂચન કરવામાં આવ્યા હતા કે કેટલાક વર્ગની હોસ્પિટલ માટે કરમાં છૂટછાટ આપવી જરૂરી બની છે.કારણ કે કોરોના વાયરસ મહામારી દરમિયાન હોસ્પિટલોની ઉપલબ્ધતાની ગંભીરતા સમજાય છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો પૂરતા પ્રમાણમાં નહીં હોવાથી લોકોને શહેર તરફ આવવું પડે છે.ત્યારે ગ્રામ્ય જનતાને અધ્યતન આરોગ્ય સેવા મળે તેવા હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં નવી હોસ્પિટલો અને કેટલીક શરતો સાથે તેમને ટેક્સમાં છૂટ આપવાનો કેન્દ્ર સરકાર દ્વારા વિચાર કરવામાં આવ્યા બાદ હવે બજેટમાં સત્તાવાર રીતે આ પગલાંની જાહેરાત થશે તેમ નિશ્ચિત માનવામાં આવે છે.

બીજીબાજુ નાણાકીય સ્ત્રોતો ઉભા કરવા માટે અને વધુ આવક કરવા માટે નાણામંત્રી વર્તમાન સેસમાં વધારો કરી શકે છે અને તે પાંચ ટકા જેટલી થઈ શકે છે.આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસોથી કોરોના શેષ નાખવામાં આવશે તેવી વાતો થઇ રહી છે.પરંતુ નાણામંત્રી શું કરે છે તેના તરફ સૌની નજર મંડાયેલી રહેશે.