૩૧મી જાન્યુઆરીના રોજ અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ પર સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ની ફાઇનલમાં બરોડા અને તમિલનાડુ ટકરાશે.બંને ટીમોએ શુક્રવારે અનુક્રમે પંજાબ અને રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.બરોડાએ આપેલા ૧૬૧ રનના લક્ષ્યાંક સામે પંજાબ ૮ વિકેટે ૧૩૫ રન કરી શકતા તેનો ૨૫ રને પરાજય થયો હતો.બરોડાએ પંજાબ સામે કેપ્ટન કેદાર દેવધરના ૪૯ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૬૪,કાર્તિક કાકડેના ૪૧ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૧ રનના સથવારે ૩ વિકેટે ૧૬૦ રન કર્યા હતા.જ્યારે બરોડા તરફથી સમગ્ર મેચમાં કુલ છ છગ્ગા પડયા હતા.પંજાબ તરફથી સંદીપ શર્મા,સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેએ એક-એક વિકેટ ઝડપી હતી.
જ્યારે પહેલી સેમીફાઇનલમાં તમિલનાડુએ કે બી અરૃણ કાર્તિકના અણનમ ૮૯ રનના સથવારે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.કાર્તિકે ૮૯ રન કરવા દરમિયાન અણનમ ૨૬ રન કરનારા કેપ્ટન દિનેશ કાર્તિક સાથે મહત્ત્વની ભાગીદારી નોંધાવી હતી.તમિલનાડુ ગયા વર્ષે આ ટ્રોફી કર્ણાટક સામે એક રનથી હારી ગયું હતું.રાજસ્થાને ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો લીધેલો નિર્ણય તેને ફળ્યો ન હતો.તેણે પહેલી ઓવરમાં ઓપનર ભારત શર્માને ગુમાવ્યો હતો.ફક્ત અશોક મેનરિયાએ ૫૧ અને અર્જિત ગુપ્તાએ ૪૫ રન કરીને રાજસ્થાનની ઇનિંગ્સને ટેકો આપ્યો હતો.તેણે છઠ્ઠી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.તેણે કુલ પાંચ ચોગ્ગા અને બે છગ્ગાના સથવારે અડધી સદી પૂરી કરી હતી.મેનરિયાએ ૩૫ બોલમાં ૪૫ રન કરનારા અર્જિત ગુપ્તા સાથે ત્રીજી વિકેટની ૮૩ રનની ભાગીદારી નોંધાવી હતી. તમિલનાડુ તરફથી મોહમ્મદ ૨૪ રનમાં ચાર વિકેટ આપી સૌથી સફળ બોલર રહ્યો હતો.રાજસ્થાને અંતિમ પાંચ વિકેટ ફક્ત ૨૪ રનના ઉમેરામાં ગુમાવી હતી.આ સિવાય સાઇકિશોરે ૧૬ રન આપી બે વિકેટ ઝડપી હતી.
આમ ૧૫૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં તમિલનાડુએ એકસમયે ૧૭ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પણ અરુણ કાર્તિક અને નારાયણ જગદીશન વચ્ચે ત્રીજી વિકેટની ૫૨ રનની ભાગીદારી મહત્ત્વની નીવડી હતી.તેના પછી અરુણ અને કેપ્ટન કાર્તિકે ચોથી વિકેટની અણનમ ૮૬ રનની ભાગીદારી નોંધાવી ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved