લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમા હોસ્પિટલના બેડ ખૂટતાં હવે કોમ્યુનિટી હોલ અસ્થાયી હોસ્પિટલ બનશે

સમગ્ર રાજ્ય વર્તમાન સમયમાં કોરોના સામે લડી રહ્યું છે.ત્યારે શહેર હોય કે ગામ,દરેક જગ્યાએ કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે.ત્યારે અમદાવાદ શહેરમાં દર્દીઓની સંખ્યા વધતાં તંત્ર દ્વારા કોમ્યુનિટી હોલમાં હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે,જ્યાં યુદ્ધના ધોરણે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલમાં રાજ્યની સૌથી મોટી હંગામી હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે શરૂ થઈ રહી છે.

આમ અમદાવાદમાં 132 ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે,જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે.જેમાં તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે.આ સિવાય જરૂર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા રાખવામાં આવી છે.આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.આ 900 બેડની હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેર તેમજ દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે.આમ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં હોસ્પિટલ ઉભી થઈ જશે.જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે.ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા.હિમાંશુ પંડ્યા અને ડી.આર.ડી.ઓના કર્નલ બી.ચૌબે સિવાય ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.