આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગી માટે કેટલાક કઠોર નિર્ણય લીધા છે.જેમાં ભાજપ પક્ષ દ્વારા ભાઈ,ભાણિયા,ભત્રીજા તથા 60 વર્ષથી વધુ ઉંમરના તેમજ ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાઇ આવતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં.આમ આજથી આગામી ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે.જેમાં આજે મુખ્યમંત્રી રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં,જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.
આમ પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં 6 મહાનગરપાલિકાના વિસ્તાર તેમજ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી.જેમાં કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ પ્રત્યેક વોર્ડદીઠ 16 નામોની યાદી તૈયાર કરી છે.જેમાં પ્રત્યેક વોર્ડદીઠ પેનલ બનાવવામાં આવી છે.આ યાદીની ચર્ચા માટે જે-તે શહેર,પંચાયત,નગરપાલિકા વિસ્તારના સાંસદ, ધારાસભ્ય,પ્રમુખ,મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે.જેમાં તમામ સાથે ચર્ચાવિચારણાના અંતે 16 નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે,જેના પર પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.જેમાં દરરોજ બે મહાનગરપાલિકાને બોર્ડ સાંભળશે અને ચોથી ફેબ્રુઆરીએ ભાજપ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરશે.
આમ ભાજપ આ વખતે મહત્તમ યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપે એવી શક્યતા છે.માત્ર પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેવા વોર્ડમાં બે કે ત્રણ નામોની પેનલવાળી યાદી દિલ્હી મોકલવામાં આવશે.આગામી 4 ફેબ્રુઆરીએ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડશે.જ્યારે જે વોર્ડમાં પ્રશ્ન પેચીદો હશે એ વોર્ડમાં છેલ્લી ઘડીએ નામો જાહેર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved