લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર અક્ષરધામના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલશે

કોરોના મહામારીમાં જાહેર સ્વાસ્થ્યની જાળવણીના હેતુથી લાંબાસમય સુધી બંધ રહેલા ગાંધીનગર અક્ષરધામના પ્રેરક પ્રદર્શનો આગામી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યા છે.આમ સારવાર અને રસીકરણને કારણે મહામારીનું જોર ઘટી રહ્યું છે ત્યારે ભગવાનના દર્શન અને સંદેશનું પાન કરવાથી ભાવિક ભક્તોના આત્મવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ થશે એવી શુભ ભાવનાથી જગવિખ્યાત અક્ષરધામ મંદિરના તમામ વિભાગો પૂર્વવત શરૂ થઈ રહ્યા છે.

આમ જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટેના સરકારના આદેશો અને માર્ગદર્શિકાઓનું સચોટ પાલન કરવા સાથે 1લી ડિસેમ્બરથી ભગવાનના દર્શન અને સચ્ચિદાનંદ વોટર શો સહિતના અક્ષરધામ મંદિરના કેટલાક મર્યાદિત વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા.એ વખતે અક્ષરધામ મંદિરના આયોજકોએ યાત્રાળુઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તકેદારીના તમામ પગલાંઓ લઈ એક દાખલો બેસાડ્યો હતો. અક્ષરધામ મંદિરના દર્શન માટેના આવા સુંદર આયોજન અને વ્યવસ્થાને નિહાળી યાત્રાળુઓ પણ સંપૂર્ણ સલામતી અને રાહત અનુભવતા હતા.

આમ બે મહિનાના સફળતાપૂર્વક્ના અનુભવ બાદ અક્ષરધામ મંદિરના આયોજકોએ લીધેલા નિર્ણય અનુસાર 6 ફેબ્રુઆરીથી સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો સવારના 11 થી સાંજના 7.30 સુધી ખુલ્લા રહેશે.જેમાં વર્ષોથી દેશવિદેશના દર્શનાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા ‘સચ્ચિદાનંદ’ વોટર શો દરરોજ સાંજે 6.45 કલાકે યોજાશે.આ ઉપરાંત તમામ પ્રદર્શન ખંડો,રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધીઓ અને પ્રેરક પુસ્તકો મેળવવા માટેના બુક સ્ટૉલ,રાઇડ્સ,સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવતું પ્રેમવતી ઉપહાર ગૃહ યાત્રિકોને આવકારવા સજ્જ થઈ ગયું છે.મહામારીના તણાવથી ત્રસ્ત અને હતાશ માનવી માટે અક્ષરધામનો સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ જરૂર સંજીવની સમો પૂરવાર થશે એવું શ્રદ્ધાળુઓનું માનવું છે.