લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગરમાં વાહનચોરી અટકાવવા પોલીસ વિભાગનો નવતર પ્રયોગ

ગાંધીનગરના વિસ્તારોમાં વાહનચોરીને ડામવા માટે સેકટર-૭ પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.જેમાં પોલીસમથકની હદ વિસ્તારમાં રેડ સ્પોટ ગણાતા વિસ્તારમાં સઘન સર્વેલન્સ હાથ ધરી બિનવારસી હાલતમાં લોક વિના પાર્ક કરેલા વાહનો શોધીને કબજે લેવામાં આવી રહ્યા છે.આમ વાહનો પોલીસમથકે લઈ આવ્યા પછી તેની ફરિયાદ માટે દોડી આવતા વાહનમાલિકોને વાહનો જાહેરસ્થળે પાર્ક કરતી વખતે શું શું કાળજી રાખવી તેની જાણકારી આપીને બાઈક પરત કરી દેવામાં આવે છે.આમ ગાંધીનગર પોલીસ દ્વારા વાહનમાલીકોમાં લોકજાગૃતિ લાવવા માટેનો પ્રયાસ સફળ પણ થઈ રહ્યો છે ને લોકો જાગૃત પણ થઇ રહ્યા છે.

ગાંધીનગરમાં પ્રજાજનો આડેધડ પાર્કિંગ કરીને ખરીદી કરવા જતાં રહે છે તેનાથી ટ્રાફિકની સ્થિતિ કથળે છે અને કેટલાક લોકો અટવાઈ જાય છે.કેટલાક કિસ્સાઓમાં વાહનચાલકો ઉતાવળમાં વાહનને લોક મારવાનું પણ ભૂલી જતાં હોય છે.ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિવારવા માટે ગાંધીનગર સેકટર -7 પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા પોતાની હદ વિસ્તારમાં વાહનચોરીનાં દૂષણને અટકાવવા માટે’ રેડસ્પોટ’ વિસ્તારોમાંથી લોક વિનાના વાહનો શોધી કાઢી પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યા છે.જેથી વાહનમાલિક પોતાનું વાહન ચોરાઈ ગયું હોવાનું માની પોલીસ સ્ટેશન દોડી આવતો હોય છે.ત્યારે આવા વાહનમાલિકોને જાહેર સ્થળોએ વાહનપાર્ક કરવાની તલસ્પર્શી માહિતી આપી જાગૃત કરવામાં આવે છે.

આમ સિવિલ હોસ્પિટલ,એસટી ડેપો તેમજ સેક્ટર 11ના કોમર્શિયલ વિસ્તારમાં સર્વેલન્સ ટીમ દ્વારા પાર્ક કરેલા વાહનો ચકાસવામાં આવી રહ્યા છે.જે સ્થળોએ વાહનચોરીની ફરિયાદ વધુ આવતી હોય તેવા સ્થળો રેડ સ્પોટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.આમ અત્યારસુધીમાં વિવિધ સ્થળોએથી 50 જેટલા વાહનો પોલીસમથકે લાવવામાં આવ્યા હતા.બાદમાં વાહનમાલિકને વાહનપાર્કિંગની સમજણ આપીને તેમને વાહન પરત પણ કરી દેવામાં આવ્યા છે.